Posts

Showing posts from April, 2024

ભોમિયા વિના

  ભોમિયા વિના ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર મારે ગણવી હતી; ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉરબોલના ઝીલવા ગયો; વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં, એકલો અટૂલો ઝાંખો પડ્યો. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજ કુંજ જોવી ફરી; ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા, અંતરની આંખડી લ્હોવી જરી. ઑગસ્ટ ૧૯૩૨ (સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬) * આસ્વાદ: ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર (‘શોધ’ — અંગે એક શોધસફરમાંથી) …. સામે છેડે ખરી તલાશનું, સાચી શોધનું આ કાવ્ય જુઓ: ‘ભોમિયા વિના.’ એની એક પંક્તિ, ‘ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા’ એ પંક્તિ, ધ્યાનથી સાંભળો. ગીતની આ ઉપાંત્ય પંક્તિમાં આવતું ક્રિયાપદ છે, ‘ભમવી [છે]’. ચાર કડીના કાવ્યમાં એ એક ક્રિયાપદ ચૂક્યા તો આખા કાવ્યને ચૂક્યા. ‘મારે કંદરા ભમવી છે, ફરી ફરીને એક્સપ્લોર કરવી છે, એની અણદીઠી જગ્યાઓએ પહેલી વાર પહોંચીને ડુંગરાનાં એ ઊંડાણ જોવાં-અનુભવવાં છે’ એ અર્થમાં એ ક્રિયાપદ ત્યાં મુકાયુ...